Tuesday, July 8, 2025

📜 ગુજરાતનો જમીન મહેસૂલ: ઇતિહાસથી આજ સુધીની સફર

પ્રાચીન સમયમાંં જમીન ઉપરનો અધિકાર:

  • માનવી ખેતી કરતાં શીખ્યો ત્યારથી ખેતીની જમીનને લગતા પ્રશ્નો ઉપસ્થિત થયા. આ પ્રશ્નો ક્યારેક સરળ તો ક્યારેક ગુંચવાડાભર્યા રહેતા, ક્યારેક સમાધાનથી, પંચોના નિકાલથી, જનપદ જેવી લોકશાહી રીતે નિકાલ થતા. સમય જતાં શક્તિશાળી લોકો રાજા થયા અને જમીનો જીતી તેના માલિક થયા, રાજ્યો સ્થાપ્યા. લોકોને જમીન આપી ખેતીના બદલામાં તથા રક્ષણ માટે ઉપજમાંથી ભાગ લેવા માંડ્યા. કેટલાક લોકોએ જમીન ખરીદી અને બીજાને ખેડવા આપી એ રીતે ઉપજમાંથી ભાગ લેતા, ખેડૂત મહેસૂલ  ચૂકવતો. વર્ષો સુધી આ પદ્ધતિ અમલમાં રહી, જેમાં ઉપજમાંથી કેટલો ભાગ લેવો કે મહેસૂલની રકમ કેટલી આપવાની થાય તે અંગેના કોઈ ધોરણો હતા નહી.

પ્રાચીન પદ્ધતિઓ: ખેતીથી રાજાશાહી સુધી:

  • જમીનમાં જે પાક થતો તે ખેડૂતો મહેનત કરી પકવતા અને જમીન માલિકો જમીનનો ભાગ ઉપજમાંથી લેતા, તે ઉપરાંત જમીન મહેસૂલ પણ આ ખેડૂતોને અથવા ગણોતિયાને આપવાનું રહેતું. જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે ખળાવાડમાં લાવવામાં આવતો જ્યાં બધાના ભાગ જુદા પડતા. રાજ્યનું મહેસૂલ, જમીનદારનો ભાગ એટલે ગણોત.  
  • અન્ય ગ્રામ ચાકરીયાત લોકો જેને ખેડૂતે વાર્ષિક પાંચ શેર કે દશ શેર અનાજ આપવાનું થતું તે પણ અહીંથી અપાતું. જેને વહેંચણી કે ભાગ બંટાઈ કહેવામાં આવતી હતી. આ રીતેની વહેંચણીમાં મહેસૂલની ચોરી થવાની શક્યતા વધારે હતી. વળી ભેગું થયેલું અનાજ ઉપાડી લઈ જવું પણ મુશ્કેલ બનતું. આથી જણસી કે ઉપજને બદલે રોકડ રકમ મહેસૂલ તરીકે લેવાનું નક્કી થયું. વર્ષની સ્થિતિને આધારે ઉપજની આનાવરી થતી. જો ઉપજ 100% અથવા સોળ આની થાય તો પ્રતિ એકર કેટલું મહેસૂલ લેવું તે નક્કી કરાતું. 
  • રાજ્યોની મુખ્ય આવક માત્ર જમીન મહેસૂલ હતી. આથી જમીનની માપણી, આકારણી, આનાવરી, પ્રતવારી અને વસૂલાત પર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવતું, જેથી રાજ્યને વધુમાં વધુ આવક મળી રહે.

મધ્યકાલીન સુધારા: શેરશાહ સૂરીનું યોગદાન:

  • ભારત દેશમાં શેરશાહ સૂરીનો રાજ્યકાળ 1539 થી 1546નો હતો. છ વર્ષના ટૂંકા રાજ્યકાળમાં તેમણે અસંખ્ય રાજકીય અને વહીવટી સુધારા કર્યા, જેમાં મહેસૂલી સુધારા પણ સામેલ છે. તેમણે ગજના માપથી જમીનનું ક્ષેત્રફળ નક્કી કર્યું. ગજ એટલે બે ફૂટ. જર–આયદ, બાગઆયદ અને ક્વ્વરી એ રીતે ખેતીલાયક, સિંચાઈવાળી ફળ આપનાર અને ચારે બાજુથી બાંધી ક્યારી બનાવેલી ડાંગરની જમીન દરેક પ્રકારની ઉપજને આધારે ત્રણ પેટાભાગ કર્યા-અવ્વલ, દોયમ અને સોયમ, જેને ગુજરાતીમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ રીતે લખાય છે. આ રીતે જમીનની ફળદ્રૂપતા આધારે ઉત્પાદનના ધોરણે જમીનના પ્રકાર નક્કી કરવાની રીતને પ્રતવારી કહે છે. 
  • જમીનની માપણી કરાવી, દરેક ગામનો હિસાબ માટે એક ચોપડો બનાવ્યો.
  • શેરશાહે તેને સરવહી એટલે કે "હિસાબનો મુખ્ય ચોપડો" નામ આપ્યું. દેશી નામા પદ્ધતિ મુજબ ખાતા પાડી ખાતાં નંબર, જમીન માલિકનું નામ, જમીનની વિગત, ક્ષેત્રફળ, આકાર જમા થયેલું મહેસૂલ, બાકી મહેસૂલની વિગતો તેમાં નોંધી. અંગ્રેજોએ આ "સરવહી"નું "સરવેઇ" એવું ઉચ્ચારણ કર્યું.
  • શેરશાહની આ ગજ આધારિત માપણી ઝડપથી થઈ શકે તે હેતુથી અકબરના રાજ્યકાળમાં રાજા ટોડરમલે 33 ફૂટની સાંકળથી માપણી શરૂ કરાવી. ૧૧ * ૧૧ વાર = ૧૨૧ ચોરસવાર એક ગુંઠો ગણાતો. ૩૩ * ૩૩ ફુટના ગણાંકનું માપ એક ગુંઠો કહેવાતું. 
  • નવ પ્રકારની જમીનની પાછલા ઓગણીસ વરસની ઊપજ અને તેની સરેરાશ આવક કાઢી તેના ત્રીજા ૧/૩ ભાગને રોકડમાં ફેરવતાં જે રકમ આવે તે મહેસૂલ ઠરાવ્યું. શરુઆતમાં આ ગણતરી દર વર્ષે થતી પરંતુ તેમાં મુશ્કેલી થતાં દસ વર્ષ માટે ઠરાવવામાં આવ્યું. આ પદ્ધતિને માપણી અને જમાબંધી કહેવામાં આવે છે. આ વિગતો અબુલ ફઝલે "આઇન-એ-અકબરી"માં નોંધી છે.

બ્રિટિશ યુગ: વ્યવસ્થિત મહેસૂલ વસૂલાત:

  • ગુજરાતમાં સર સયાજી રાવ ગાયકવાડના શાસનમાં સર.ટી.માધવરાવ દિવાન હતા. તેમણે દક્ષિણ ભારતમાં જમીન સુધારણા ક્ષેત્રે મોટુ પ્રદાન આપ્યું છે. તેમણે ગાયકવાડી રાજ્યમાં પણ જમીન સુધારણાની કામગીરી કરી. તેમણે સિરદાર મહેસૂલી અધિકારીઓની સત્તા મર્યાદિત કરી સિરદારી જમીનોને રાજયની જમીનમાં ભેળવી. તેને બદલે રૈયતવારી એટલે કે જેણે જમીન ખેડી હોય તે જમીન પર મહેસૂલ વસૂલાત દાખલ કરી. 
  • તેનાથી આગળ વધીને લોર્ડ કોર્નવોલીસે ઈ.સ. ૧૭૯૦ માં બંગાલ પ્રાંતમાં કાયમી જમાબંધી પધ્ધ્તી દાખલ કરી. 
  • ઈ.સ. ૧૮૨૦ માં સર થોમસ મુનરોએ ખાલસા અને રૈયતવારી પધ્ધતિ દાખલ કરી, જે પ્રથમ મદ્રાસ અને પછી મુંબઇ પ્રાંતમાં દાખલ કરવામાં આવી. આ પધ્ધતિમાં ખાલસા એટલે કે નિર્ભેળ, તમામ પ્રકારના બોજા રહિત સરકારમાં દાખલ થયેલ કે સરકારી માલિકીની જમીન. 
  • રૈયત એટલે પ્રજા, રૈયતવારી એટલે પ્રજા કે ખેડુતોને જમીન સીધી ખેડવા આપવાની રીત.
  • જમીન મહેસૂલ સર્વે અને આકારણી વગર પુરેપુરો વસૂલ થઈ શકે નહીં. પ્રિંગલે આ કામગીરી કરી, શકય હોય તેવા તમામ પ્રદેશોમાં જઈ તેના સર્વેયરોએઆ દેશની તસુંએ તસું જમીન માપી, ખેતરવાર ક્ષેત્રફળ નક્કી કર્યું, પ્રત અધારે રોકડમાં મહેસૂલ ઠેરવ્યું, તલાટીના રેકર્ડમાં ખેતરનું નામ, માલીકનું નામ, ક્ષેત્રફળ, આકાર વિગેરે બાબતોના ઊલ્લેખ સાથે નોંધ કરાવી. જેના આધારે ગામનો નમુના નંબર (૧) અથવા ખેતરવાર પત્રક તૈયાર થયું. રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલનો આ પાયો છે. પ્લેન ટેબલ માપણી અને કાગળની સીટ પર હાથથી બનાવેલા તે સમયના સર્વેના ટિપ્પણ પત્રકો આજે પણ જમીન દફતરમાં જોવા મળે છે અને આ માપણીમાં એક સેન્ટીમીટર જેટલી પણ ક્ષતિ જોવા મળતી નથી.
  • મુગલ સમયના એકમો અંગ્રેજોના સમયમાં થોડા બદલાયા. ૧૨૧ ચોરસ વારનો ગુંઠો યથાવત રહ્યો, પરંતુ જુદા જુદા રાજયોમાં ૧૬ ગુંઠાનું વીઘું, ૨૪ ગુંઠાનું વીઘું એવા જુદા જુદા વીઘાને બદલે ૪૦ ગુંઠાનો એકર નવા માપ તરીકે ચલણી બન્યો. મહેસૂલી ક્ષેત્રફળ હવે એકર અને ગુંઠામાં લખાતું થયું. હાલમાં પણ સૌરાષ્ટમાં ૧૬ ગુંઠાનું વીઘું છે. ગાયકવાડી રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ૨૪ ગુંઠાનું વીઘું ગણાય છે.
  • જમીન મહેસૂલ કાયદાની શરૂઆત સને ૧૮૨૭ ના રેગ્યુલેશન એકટથી થાય છે. જેમાં પ્રથમવાર જમીન મહેસૂલ ભરવાની જવાબદારી જમીન ધારણ કરનારની નક્કી કરવામં આવી છે. સને ૧૮૫૭ ના બ્રીટીશ તાજના શાસન પછી મહેસૂલી કાયદો બનાવવામાં આવ્યો. પ્રથમ સને ૧૮૬૫માં, ત્યાર બાદ સને ૧૮૭૪માં કાયદો તૈયાર થયો. સને ૧૮૭૬માં કલેકટરો પાસેથી સુચનો મંગાવ્યા પછી સને ૧૮૭૯થી અમલમાં આવ્યો,જેમા વખતો વખત સુધારા વધારા થયા પછી આ કાયદો આજે પણ અમલમાં છે.

  • જમીન મહેસૂલ માટે મુળ કાયદામાં કલમ ૧૭ માં કલેક્ટર ફરમાવે તેવા રેકર્ડ રજીસ્ટરોમાં હિસાબ રાખવાની જોગવાઇ છે. સને ૧૮૭૯ થી સને ૧૯૧૩ સુધી કલેક્ટરો પોતાની રીતે હિસાબ રખાવતા અને મહેસૂલની રકમ જમા કરાવતા. 
  • સને ૧૯૧૩માં એંડરસને રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ બનાવ્યું, જેને ગામ નમૂના, તાલુકા નમૂના અને જિલ્લા નમૂના કહેવામા આવે છે. જેમા સમગ્ર મહેસૂલી હિસાબ આવી જાય છે. આ નમૂના અત્યંત ચીવટથી તૈયાર થયેલા છે અને સામાન્ય શિક્ષિત વ્યક્તિ તેને સમજીને હિસાબ કરી શકે તેવા છે. જેમા ખેતી, બિનખેતી, સાર્વજનિક, ઇનામી અને અન્ય પ્રકારની જમીનનું ક્ષેત્રફળ, આકાર અને ગામ, તાલુકા, જિલ્લાની કુલ મહેસૂલની રકમ, બિનખેતી આવક, પરચુરણ ઊપજ, અન્ય ઊપજનો હિસાબ સમાવિષ્ટ કરવામા આવે છે.

આઝાદી પછી: જમીન સુધારણા અને ખેડૂત કલ્યાણ:

  • જમીન મહેસૂલ કાયદા હેઠળ કલમ-૨૧૪(૧) માં નિયમો કરવાની સત્તા સરકારને છે. ગુજરાતમા જમીન મહેસૂલ નિયમો-૧૯૭૨ અમલમાં છે. જુના એંડરસનના બનાવેલા નિયમો બોમ્બે લેંડ રેવન્યુ રુલ્સ-૧૯૨૧ની સામે તારીખ ૧૪/૦૬/૧૯૭૨ થી આ નવા નિયમો લાગુ કરવામા આવ્યા છે. આ નિયમોમાં ૫૨ (બાવન) વહીવટી હુકમો છે અને ૩૨૭ ટીપ કે નોંધો મુકવામા આવી છે.
  • જમીન મહેસૂલ નિયમો પશ્ર્વાતવર્તી અસરથી કે પૂર્વવર્તી અસરથી પણ લાગુ પાડી શકાય છે. તે અંગે સને ૧૯૮૧માં સુધારો કરવામા આવ્યો છે. હાલમા ગુજરાત રાજ્યનો સમગ્ર મહેસૂલી વહીવટ જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ અને જમીન મહેસૂલ નિયમો ૧૯૭૨ પર આધારિત છે.
  • ગુજરાત ૧ લી મે ૧૯૬૦થી અલગ રાજય બન્યું. ૧૯૬૧નો ગુજરાત પંચાયત અધિનિયમ રચાયો. ૧૯૬૩થી ગુજરાતમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું. આ કાયદાની કલમ ૧૪૯, ૧૫૧, ૧૫૨, અને ૧૫૭ માં મહેસૂલ અધિનિયમના કાર્યો પંચાયતોને તબદીલ કરવામાં આવ્યા.
  • દુમાલા રજિસ્ટર નિભાવવાની જોગવાઈ જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૫૩ માં છે. તેમા તમામ દુમાલા જમીનની નોંધ થતી. ગણોતિયા જમીન ખેડતા, પરંતુ તેને કોઈ રક્ષણ ન હતું. જમીનદાર ગમે ત્યારે તેને હાંકી કાઢતો. સને ૧૯૩૯માં ગણોતિયાને રક્ષણ આપતો ગણોત કાયદો પ્રથમવાર અમલમાં આવ્યો. જેમાં ૧૯૩૯ પૂર્વે છ વર્ષથી જે કોઈ ગણોતિયો જમીન ખેડતો હોય તેને હકાલ પટ્ટીથી રક્ષણ મળ્યું.
  • સને ૧૯૪૬ માં સુધારેલો ગણોત કાયદો અમલમાં આવ્યો, તેમાં પણ સને ૧૯૪૬ પૂર્વે જે કોઈ ગણોતિયો છ વર્ષથી જમીન ખેડતો હોય તેને રક્ષણ મળ્યું. આ બંને કાયદા માત્ર ગણોતને લગતા હતા. સને ૧૯૪૭ માં ખેતીની જમીનના ભાગલા પાડતા અટકાવવા અને એકત્રીકરણનો કાયદો આવ્યો. જેમાં ટોચ ક્ષેત્ર કરતા ૧/૧૬ ભાગ કરતા ઓછી જમીનને ટુકડો ગણ્યો.આ કાયદો હજી પણ અમલમાં છે. સને ૧૯૪૮માં ગણોત વહિવટ અને ખેતીની જમીનનો કાયદો જેને ગણોતધારો કહે છે તે અમલમાં આવ્યો. આ કાયદો ગુજરાત વિસ્તારને લાગુ પડયો. સને ૧૯૪૮નો કાયદો સુધારો સાથે સને ૧૯૫૬માં અમલમાં આવ્યો. જેને પરિણામે તારીખ ૦૧-૦૪-૧૯૫૭થી ગણોતિયા જમીન ખરીદનાર બન્યા. 
  • કચ્છ અને વિદર્ભનો ગણોતધારો અલગ છે. હાલના ગુજરાતમાં ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છ ત્રણ રાજયો છે. ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યનો ગુજરાતી ભાષી પ્રદેશ ગણાતો. સૌરાષ્ટ્ર રાજયે સને ૧૯૪૮માં રાજયની માલિકીની તમામ જમીન રૈયાતવારી કરી. રાજયમાં અસંખ્ય રજવાડા હતા, તેમના ગણોતિયાની સાથે સંબંધો બગડયા. આથી સૌરાષ્ટ્ર રાજયે સને ૧૯૪૯નો વટહુકમ બહાર પાડયો જે મુંબઇના ગણોતધારા પર આધારિત હતો. જેનું અમલીકરણ થઈ શક્યું નહીં. કેન્દ્ર સરકારે પી. કે. થુંગનના અધ્યક્ષપદ હેઠળ સમિતિ રચી, જેના અહેવાલ આધારે સને ૧૯૫૧નો સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ એકટ આવ્યો. જે ગિરાસદારો માટે સને ૧૯૫૧નો બારખલી એબોલીશન એકટ આવ્યો. જે બારખલીદારો માટે હતો. આ બંને કાયદા ખેતીની જમીન માટે હતા. આથી ખેતી સિવાયની જમીન માટે સૌરાષ્ટ્ર એસ્ટેટ એકવીઝીશન એકટ ૧૯૫૨ લાવવામાં આવ્યો. જેમાં ખેતી સિવાયની તમામ અસ્કયામતો, કચેરીઓ, સાર્વજનિક વપરાશની વસ્તુઓ, મકાનો વિગેરે સંપાદિત થયા. ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગણોતધારા જેવી ગણોતે જમીન નહીં આપવાની જોગવાઈ માટે સૌરાષ્ટ્ર ખેત જમીન પટ્ટા પ્રતિબંધ અધિનિયમ ૧૯૫૩ અમલમાં છે. સને ૧૯૪૯ના વટહુકુમમાં કલમ-૫૪ જે બીન ખેડૂતને ખેતીની જમીન તબદીલી અંગેની તથા બીજી એસ્ટેટ સંપાદનને લગતી થોડી કલમો સિવાય સમગ્ર અધિનિયમ રદ થયો છે.
  • સને ૧૯૬૦માં ગુજરાત ખેતીની જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં આવ્યો. જેમા ટોચ ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારોની જમીનના પ્રકાર મુજબ તે નક્કી કરવામાં આવ્યું હતું. જેને માટે કાયદામાં ક્ષેત્રફળની વિસ્તાર વાર અનુસુચિ બનાવવામાં આવીછે. આ કાયદામાં સુધારો કરીને સને ૧૯૭૬માં ટોચ ક્ષેત્ર ઘટાડવામાં આવ્યું. સાથો સાથ કેટલીક જમીનો જેને મુક્તિ આપી હતી તે રદ થઈ. જેમ કે વીડની જમીનો, જેને સને ૧૯૭૬માં ખેતીની જમીન ગણવામાં આવી. દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અંસખ્ય ઈનામ અને વિવિધ સત્તા પ્રકારે ધરાવેલ જમીનોના કાયદા અમલમાં આવ્યા અને તમામ પ્રકારના ઇનામો નાબૂદ કરવામાં આવ્યા. વટવા વજીફદારી,ઠાસરાના મલેકી સત્તાપ્રકાર, આંકડાદારી સત્તા પ્રકાર, મેવાસી સત્તાપ્રકાર, ચાકરીયાત જમીન સત્તા પ્રકાર વિવિધ કાયદાથી રદ થયા.

  • તારીખ ૦૧/૦૪/૧૯૫૭ ના રોજ કેટલાક ગણોતીયા જમીન ખરીદનાર બની શક્યા નહીં. તેમાં ધાર્મિક ટ્રસ્ટોના ગણોતીયા પણ હતા. સને ૧૯૬૯માં સરકારે દેવસ્થાન ઇનામ નાબૂદી ધારો અમલમાં મુક્યો. જેમા ધાર્મિક ટ્રસ્ટોના ગણોતિયાને જમીન માલિક બનાવવામાં આવ્યા. સને ૧૯૭૬માં શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો ગુજરાતમાં લાગુ થયો. જેમાં પ્રત્યેક પુખ્ત વ્યક્તિની ૧૦૦૦ ચો.વાર સિવાયની વધારાની જમીનો ફાજલ ગણવામાં આવી. આ કાયદો વર્ષ ૧૯૯૯થી રદ કરવામાં આવ્યો.

  • તા.૦૧/૦૮/૧૯૭૨ થી ગુજરાતમાં નાના અને સીમાંત ખેડૂતોને જમીન મહેસૂલ ભરવામાંથી માફી આપવામાં આવી. વર્ષ ૧૯૬૦માં ખેતીની જમીનની ટોચ મર્યાદાના ૧૬ મા ભાગ કરતા ઓછી જમીન ધરાવનાર નાનો ખેડૂત ગણાતો. તા.૦૧/૦૮/૧૯૯૭થી તમામ ખેડૂતોને જમીન મહેસૂલ ભરવામાંથી માફી આપવામાં આવી છે. ખેડૂતોને માત્ર શિક્ષણ ઉપકર અને લોકલ ફંડ સેસ ભરવાનો રહે છે. આમ એક સમયની રાજ્યની મુખ્ય આવક ગણાતી જમીન મહેસૂલની રકમ હવે માફ થઇ છે.તેની પાછળનું કારણ એવું છે કે વર્ષ ૧૯૨૭માં છેલ્લીવાર સર્વે અને સેટલમેન્ટ કરી મહેસૂલ નક્કી થયું. આ સેટલમેન્ટ ૩૦ વર્ષ માટે લાગુ પડે બીજુ સેટલમેન્ટ ૧૯૫૭માં થવુ જોઇતું હતુ જે થયુ નહીં કારણકે જમીન સુધારણા કાયદાની અમલવારીમાંસમગ્રતંત્ર કામગીરી કરી રહ્યું હતુ.૧૯૮૭માં પણ થયુ નહીં. પરીણામે મહેસૂલની રકમ ૧૯૨૭ની સ્થિતિએ સાવ નગણ્યરકમ થઇ ગઇ અને ઘાટ કરતા ઘડામણ મોંઘુ થઇ જાય એવી સ્થિતિમાં મહેસૂલ માફી લાગુ કરવામાં આવી.મહેસૂલ કે જે મુખ્ય આવક હતી તેની જ્ગ્યાએ અન્ય કરો સરકારે ઉઘરાવવાના શરૂ કર્યા છે,જેથી રાજ્યની આવક વધી છે અને ખેડૂત પરનો બોજો ઘટ્યો છે, પરિણામે ગુજરાતમાં ખેડૂત સમૃધ્ધ થયો છે.

    આ રીતે ગુજરાતમાં જમીન મહેસૂલના કાયદા વખતો વખત જુદા જુદા સંજોગોને આધીન અમલમાં આવ્યા, સુધારા વધારા થયા સાથો સાથ જમીન, જમીન વહીવટ અને મહેસૂલી તથા સર્વે અધિકારીઓની કામગીરી પણ બદલાતી રહી છે. લોકોની, ખેતીની સંસ્કૃતિ અને ખેતીવાડી સાથે, જમીનની માલીકી, જમીન અને જમીનના કાયદાની સીધે સીધી અસર થતી હોવાથી આજે પણ મહેસૂલી તંત્રનો લોકો સાથેનો સંબંધ અકબંધ રહ્યો છે.

સાભાર / Credit:

  • મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર. 

No comments:

Post a Comment

📜 ગુજરાતનો જમીન મહેસૂલ: ઇતિહાસથી આજ સુધીની સફર

પ્રાચીન સમયમાંં જમીન ઉપરનો અધિકાર: માનવી ખેતી કરતાં શીખ્યો ત્યારથી ખેતીની જમીનને લગતા પ્રશ્નો ઉપસ્થિત થયા. આ પ્રશ્નો ક્યારેક સરળ તો ક્યારે...